મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ગંભીરા બ્રિજ જેવી જ બીજી મોટી દુર્ઘટના સામે આવી છે. બરેલી–પીપરિયા રોડ પર આવેલા નયાગાંવ પાસે 50 વર્ષ જૂનો જર્જરિત પુલ અચાનક તૂટી પડતાં ભારે હડકંપ મચી ગયો.
માહિતી મુજબ પુલ પર છેલ્લા આઠ દિવસથી મરામતનું કામ ચાલી રહ્યું હતું છતાં માર્ગને બંધ કરવામાં આવ્યો નહોતો અને વાહન વ્યવહાર સામાન્ય રીતે ચાલુ હતો. ઘટનાસ્થળે 8 શ્રમિકો સમારકામમાં લાગેલા હતા, જેમાંથી 6 લોકોને કાટમાળ નીચે દટાયા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
પુલ તૂટતાં તેના પરથી પસાર થઈ રહેલી બે બાઈક નીચે ખાબકતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે.
નસીબજોગે પુલ નીચે કામ કરતા મજૂરો ગંભીર જાનહાનિથી બચ્યા કારણકે તેઓ સમયસર કાટમાળથી દૂર ભાગી શક્યા.
સ્થાનિક લોકો મુજબ પુલનો આશરે 50 ફૂટનો ભાગ તૂટી પડ્યો છે. વર્ષોથી આ પુલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં સમારકામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ન રાખવા બદલ મધ્યપ્રદેશ માર્ગ વિકાસ નિગમ (MPRDC) સામે ગ્રામજનોમાં ભારે રોષ છે.
હાલ બરેલી–પીપરિયા માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે અને તંત્ર રિકવરી કામગીરીમાં લાગેલું છે.