ભારતના સ્ટાર ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ટેસ્ટ ક્રિકેટથી રિટાયરમેન્ટની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલી બીજા દિવસે મથુરાના વૃંદાવન પહોંચ્યા.
સવારે વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનના કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજને દંડવત પ્રણામ કરીને આશિર્વાદ લીધા. પ્રેમાનંદ મહારાજ સાથે વિરાટ-અનુષ્કાએ લગભગ 7 મિનિટ એકાંતમાં વાર્તાલાપ કર્યો. વિરાટ અને અનુષ્કાએ કેલીકુંજ આશ્રમ ખાતે આશ્રમના કાર્ય જોયા અને તેના વિશે જાણકારી મેળવી.
વિરાટ કોહલી ત્રીજીવાર વૃંદાવનની મુલાકાતે પહોંચ્યા. અગાઉ જાન્યુઆરી 2023 અને બાદમાં જાન્યુઆરી 2025માં વિરાટ અનુષ્કા વૃંદાવન આવ્યા હતા અને બંને વખતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી હતી. વિરાટની ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી વિરાટે રિટાયરમેન્ટની જાહેરાત સાથે પુરી કરી છે.
વિરાટે 123 ટેસ્ટ મેચ રમી જેમાં 30 શતક અને 31 અર્ધશતક જડ્યા. વિરાટે 7 બેવડી સદી ફટકારી. 2017 અને 2018માં તે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર બન્યા હતા. વિરાટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રિટાયરમેન્ટની જાણકારી આપી.