પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PTI વડા ઇમરાન ખાન અંગે ચાલી રહેલી મોતની અફવાઓ પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે. તેમના પરિવારજનોને લાંબા સમય પછી પહેલી વખત જેલમાં મુલાકાત કરવાની મંજૂરી મળતાં હકીકત બહાર આવી છે.
ઇમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાનને તાજેતરમાં જેલમાં ઈમરાન ખાનને મળવાની અનુમતિ મળી. ઓગસ્ટ 2023 થી જેલમાં બંધ ઇમરાન ખાન સાથે આ મુલાકાત લગભગ એક મહિનાના અંતરાલ બાદ થઈ.
મુલાકાત પૂર્ણ થયા બાદ બહાર આવીને ડૉ. ઉઝમા ખાને જણાવ્યું કે: “ઇમરાન ખાનની તબિયત ઠીક છે, પરંતુ તેમને જેલમાં ટૉર્ચર કરવામાં આવી રહ્યું છે. તેમને આખો દિવસ એક રૂમમાં બંધ રાખવામાં આવે છે.”
પરિવારજનોને લાંબા સમયથી મુલાકાતની મંજૂરી ન મળવાથી, પાકિસ્તાનમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇમરાન ખાનના મૃત્યુ અંગે અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. હવે તેમની બહેનના નિવેદનથી આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.
ઇમરાન ખાન મુદ્દે વધતા વિરોધને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે અડિયાલા રોડ પર રાવલપિંડી પોલીસ ફોર્સની સંપૂર્ણ તહેનાતી કરી છે. PTIના સપોર્ટર્સ દ્વારા શક્ય વિરોધ પ્રદર્શનને અટકાવવા માટે રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક સરકારી અધિકારી અનુસાર, આઠ કિલોમીટરનો વિસ્તાર સીલ પણ કરવામાં આવ્યો છે જેથી કોઈ અસ્થિરતા ન ફેલાય.