અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માંડ દોઢ મહિના પહેલા જ થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. જેને લઈને તેમણે ખૂબ પ્રચાર પણ કર્યો હતો. જોકે હવે બંને દેશો વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષ શરુ થઈ ગયો છે. નવા સૈન્ય સંઘર્ષમાં કંબોડિયાના 9 નાગરિકોના મોત થયા છે.
કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં કંબોડિયાના 9 લોકોના મોત થયા છે જ્યારે 46 ઈજાગ્રસ્ત છે. 1.27 લાખ લોકોએ ઘર છોડીને પલાયન કરી સુરક્ષિત સ્થળો પર આશરો લેવાનો વારો આવ્યો છે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે થાઇલૅન્ડે બુધવારે એક પ્રાથમિક શાળા પર હુમલો કર્યો.
બીજી તરફ થાઇલૅન્ડે સરહદી વિસ્તારોમાં ચાર જિલ્લામાં તાત્કાલિક ધોરણે કરફ્યુ લગાવ્યો છે. સાંજે 7થી સવારના 5 વાગ્યા સુધી લોકોને ઘરોમાં જ રહેવા આદેશ અપાયો છે. આટલું જ નહીં થાઇલૅન્ડે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી કહ્યું છે કે જરૂરી કામ માટે કંબોડિયા ગયેલા લોકો તાત્કાલિક સ્વદેશ પાછા ફરે. એક અંદાજ અનુસાર થાઇલૅન્ડના 600થી 1200 નાગરિકો હાલ કંબોડિયામાં છે.