દિલ્હીના પ્રદૂષણથી માત્ર ત્યાંના રહેવાસીઓ જ નહીં, નેતાઓ પણ પરેશાન થઈ ગયા છે. રાજધાનીમાં પ્રદૂષણના કારણે એક સાંસદે સંસદનું શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીના બદલે અન્ય સ્થળે યોજવાની માંગ કરી છે. BJDના રાજ્યસભા સભ્ય માનસ રંજન મંગરાજે રાજધાનીમાં દર વર્ષે વધી રહેલા પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવી છે. તેમણે જ્યાં સુધી દિલ્હીમાં હવામાન ન સુધરે ત્યાં સુધી શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર કોઈ અન્ય સ્થળે યોજવાની અપીલ કરી છે.
સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી. તેમણે કહ્યું કે, ‘કુદરતી આફતો સામે લડવા ઓડિશા કુશળ છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. જે મહિનામાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદ સત્ર યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે.
જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ.