9 કલાક ટ્રેન મોડી પડી, મુસાફરે રેલવે સામે કેસ કર્યો; કોર્ટનો ₹35 હજાર વળતરનો આદેશ

ઝારખંડના મુસાફરે રેલવે સામે કાનૂની લડત ચલાવી હતી. 23 સપ્ટેમ્બર 2024 ના રોજ ટાટાનગરથી સંબલપુર તરફ જતી ટ્રેન 9 કલાક મોડી પડી હતી. તેથી સંજય કુમાર નામના મુસાફરે કન્ઝ્યુમર કોર્ટમાં રેલવે સામે કેસ કરી અને 4.50 લાખના વળતરની માગ કરી હતી. ભારતમાં રેલ સેવા લાખો લોકોની રોજિંદી મુસાફરીનો ભાગ છે. ઘણી વખત ટ્રેન સમયસર ન આવવાના કારણે મુસાફરોને ભારે મુસીબતનો સામનો કરવાનો વખત આવે છે. કન્ઝ્યુમર કોર્ટે 9 કલાક ટ્રેન લેટ હોવાની વાતને સેવામાં ખામી જણાવી હતી અને રેલવેની તમામ દલીલો અમાન્ય ગણાવી મુસાફરને 5 હજાર કેસના ખર્ચ સાથે 35 હજારનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

Train 9 Hours Late Consumer Court Compensation Railway 2026

મુંબઈ જેવા ટ્રાફિકવાળા શહેરમાં રોજબરોજની મુસાફરી લાખો લોકો ટ્રેન દ્વારા કરે છે. આવે વખતે જો ટ્રેન લેટ થાય તો તમામને ભોગવવાનો વારો આવે છે. જ્યારે ટ્રેન લેટ થાય છે ત્યારે માત્ર સમયનો જ બગાડ નથી થતો, પરંતુ આખુ આગળનું આયોજન વિખેરાઈ જાય છે. વિલંબનો અર્થ માત્ર કલાકો સુધી ટ્રેનની રાહ જોવી એ જ નથી હોતો. કલાકો સુધી માત્ર સમયનો જ બગાડ નથી થતો હોતો, મુસાફરને એક જ સ્ટેશને રાહ જોઈને બેસી રહેવુ પડતુ હોય છે. જો આવો વિલંબ લાંબા સમય સુધી હોય અને રેલવે કોઈ નક્કર કારણ ન આપી શકે તો મુસાફરોને રિફંડ સાથે વળતર આપવુ પડે છે. ઝારખંડના મુસાફરના કેસ દ્વારા રેલવે વળતર આપે કે નહી તે અંગેની ચર્ચા ફરીથી શરૂ થઈ છે.

શું છે કેસની સમગ્ર હકીકત ?

સમગ્ર ઘટના 23 સપ્ટેમ્બર 2024 ની છે. સંજય કુમાર નામના મુસાફરે ટાટાનગરથી સંબલપુર જવા માટે 12871 ઈસ્પાત એક્સપ્રેસમાં સ્લિપર ટિકિટ બુક કરાવી હતી. ટ્રેનને સવારે 10.18 એ ટાટાનગરથી સંબલપુર 3.50 વાગ્યે પહોંચવાનું હતુ. પરંતુ ટ્રેનને સંબલપુર પહોંચવા માટે 9 કલાકનો સમય લાગ્યો હતો, જેને લઈ મુસાફરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો. મુસાફર સંજય કુમારે જણાવ્યુ હતુ કે આટલા લાંબા કલાકોના કારણે શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે 8 ઓક્ટોબર 2024ના રોજ સાઉથ ઈસ્ટર્ન રેલવેના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજરને લીગલ નોટિસ મોકલી હતી. બાદમાં તેમણે કન્ઝ્યુમર કમિશનમાં કેસ દાખલ કરીને ₹4.50 લાખના વળતરની માંગ કરી હતી. પોતાના દાવાના સમર્થનમાં તેમણે ટ્રેનની ટિકિટ, લીગલ નોટિસ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા.

રેલવેની દલીલ

ઈસ્ટ કોસ્ટ રેલવે અને સાઉથ ઈસ્ટર્ન રેલવેએ કેસની યથાર્થતા સામે સવાલ ઉઠાવ્યા હતા. લેખિત જવાબમાં કહ્યુ હતુ કે રેલવે ટ્રિબ્યુનલમાં સુનાવણી થવી જોઈએ, તદુપરાંત IRCTC દ્વારા ટિકિટ બુક થઈ હોવા છતાં IRCTC ને પક્ષકાર તરીકે સામેલ કરવામાં નથી આવ્યુ, આ સિવાય ટ્રેન ખડગપુર ડિવિઝનમાંથી પણ પસાર થાય છે, છતાં સંબંધિત ડિવિઝનને સામેલ કરવામાં નથી આવ્યુ.

કન્ઝ્યુમર કોર્ટનો ચુકાદો

ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લા કન્ઝ્યુમર કમિશને 2 સપ્ટેમ્બર 2026ના રોજ આ મામલે ચુકાદો આપ્યો હતો. કમિશને રેલવે તરફથી ઉઠાવવામાં આવેલી આપત્તિઓને ફગાવી દીધી હતી. અધિકારક્ષેત્રના સવાલ પર કમિશને સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે, આવા કેસોની સુનાવણી કન્ઝ્યુમર કમિશન કરી શકે છે. કમિશને એમ પણ કહ્યું કે મુસાફરોને માત્ર રેલવે અધિકારીઓની દયા પર છોડી શકાય નહીં. રેલવે વિલંબનું કારણ સાબિત કરવામાં નિષ્ફળ નિવડ્યુ હતુ. મુસાફર તરફથી રજૂ કરાયેલી ટિકિટ અને લીગલ નોટિસને પૂરતો પુરાવો માનવામાં આવ્યો હતો. આર્થિક નુકસાનના દસ્તાવેજ ન હોવા છતાં પણ મુસાફરની અગવડતાને ધ્યાને લઈ ચુકાદો આપવામાં આવ્યો હતો. કન્ઝ્યુમર કમિશને સાઉથ ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ કોસ્ટ રેલવેને 45 દિવસની અંદર મુસાફરને ₹30,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ₹5,000 કેસનો ખર્ચ પણ આપવો પડશે.

Post a Comment

Previous Post Next Post