![]() |
| Supreme Court on Medicine Price |
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદિપ મહેતાની બેન્ચે દવાઓની કિંમત અંગે સુનાવણી કરી હતી. બંને જસ્ટિસની બેન્ચે કેન્સરની દવાનું ઉદાહરણ આપ્યુ હતુ. જે દવાનો સપ્લાય 2700 રૂપિયામાં થતો હતો અને રિટેલમાં MRP 27 હજાર હતી. દવાઓમાં થતી આ પ્રકારની ઉઘાડી લૂંટ પર સુપ્રીમ કોર્ટ સખત ભડક્યુ હતુ અને આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દવાની કિંમતો, જેનરિક દવાઓ, મેડિકલ ડિવાઈસ અને ડૉકટર્સના પ્રિસ્ક્રિપ્શન સંબંધિત સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન દવાની MRP અને પ્રાઈસ ટુ રિટેલર PTR વચ્ચેના આટલા મોટા અંતરને લઈ સવાલ ઉઠાવ્યા હતા.
કેન્સરની દવાની MRP મુદ્દે સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ
અરજદાર કિશન ચંદ્ર જૈને દવાઓની કિંમતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન જ કેન્સરની દવાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ. જસ્ટિસ સંદિપ મહેતાએ જણાવ્યુ કે દર્દીઓ ઈલાજ માટે ઘર-ઘરેણાં વેચી નાખે છે, આ એક્સ્ટોર્શન નહી તો શું છે ? સુપ્રીમ કોર્ટ દવાની કિંમતોને લઈ ભડકી ઉઠ્યુ હતુ. સામાન્ય માણસ દવાની કિંમતો કઈ રીતે ચૂકવી શકે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે ઉત્પાદક માત્ર ખર્ચના માત્ર 10 ટકા કિંમત પર દવા વેચે છે, તો તેની MRP આટલી બધી કેમ લેવામાં આવે છે ? મોઘી દવાઓ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે દવાની કિંમત આટલી બધી વસૂલ કરીને દર્દીઓ અને સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરવામાં આવે છે.
દવાની કિંમતોમાં આટલુ બધુ અંતર શા માટે ?
જસ્ટિસ સંદિપ મહેતાએ સવાલ કર્યો હતો કે ઉત્પાદન અને રિટેલ કિંમતોમાં આટલો મોટો તફાવત શા માટે હોવો જોઈએ ? કોર્ટે ઉમેર્યુ કે ઉત્પાદક રિટેલરને દવા MRP ના 10 ટકા પર મળે છે, તો પછી આટલી વધારે MRP નક્કી કરવાની શું જરૂર છે ? અરજદારે જવાબ આપ્યો હતો કે હાલની વ્યવસ્થા પ્રમાણે શૅડ્યુલ અને નોન શૅડ્યુલ દવાઓના કારણે કિંમતો પર કોઈ નિયંત્રણ નથી હોતુ. 82 ટકા દવાઓ નોન શૅડ્યુલ કેટેગરીમાં આવતી હોવાનો અરજદારે દાવો કર્યો છે. જેના કારણે દવાઓના ભાવ પર કોઈ નિયંત્રણ હોતુ નથી. ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર DPCO 2013 પ્રમાણે શૅડ્યુલ-1 કેટેગરીમાં આવતી લગભગ એક હજાર દવાઓ પર નિયંત્રણ લાગે છે. પરંતુ નોન શૅડ્યુલ દવાઓના કિસ્સામાં ઉત્પાદર લૉન્ચ સમયે જ કિંમત નક્કી કરી શકે છે. કિંમત નક્કી થયા બાદ તેમાં દર વર્ષે 10 ટકાથી વધુ ભાવવધારો કરી શકાતો નથી. અરજદારે એ પણ દાવો કર્યો છે કે દેશમાં લગભગ 60 હજાર એવી દવાઓ છે જેની કિંમત 5 હજાર કરતાં ઓછી થઈ શકે છે.
MRP અને PTRમાં મોટો તફાવત છે.
સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટ સમક્ષ કેટલાક ઉદાહરણ પણ રજૂ કર્યા હતા. જેમાં એક દવાની MRP 73 રૂપિયા હતી, જ્યારે તેની પ્રાઈસ ટુ રિટેલર કિંમત 22.75 રૂપિયા હતી, બીજી દવા જે 61 રૂપિયાની MRP ધરાવતી હતી તેની પ્રાઈસ ટુ રિટેલર કિંમત 9.65 રૂપિયા છે. તથા એવુ પણ ઉદાહરણ આપ્યુ કે જે દવાની MRP 4196 છે તે 980 રૂપિયામાં પણ મળી રહી છે. અરજદારે એન્ટિબાયોટિક TG-BEX નું ઉદાહરણ આપ્યુ કે પ્રિન્ટેડ કિંમત અને વાસ્તવિક વેચાણ કિંમત વચ્ચે ઘણુ મોટુ અંતર છે.
હોસ્પિટલમાં કોર્પોરેટ કલ્ચર પર પણ ઉઠાવ્યા સવાલ
અરજદારે પરંપરાગત મેડિકલ સ્ટોર અને કોર્પોરેટ હોસ્પિટલ વ્યવસ્થા વિશે પણ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યુ. અરજદારે જણાવ્યુ કે કેટલાક મેડિકલ સ્ટોર માર્જિન ઓછુ રાખી શકે છે, પરંતુ કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓને પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનું જણાવી MRP કિંમતે જ દવા આપે છે.
જેનરિક દવાઓ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ
સુનાવણી દરમિયાન અરજદારે જેનરિક દવાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેનરિક દવાઓની ગુણવત્તા અને વિશ્વસનિયતા પર લોકોને શંકા છે. અરજદારે એ પણ ધ્યાન દોર્યુ હતુ કે ડૉક્ટર માત્ર જેનરિક ફોર્મ્યુલેશન લખે છે અને જો બ્રાન્ડનું નામ ન લખે તો દવા કઈ કંપની અથવા બ્રાન્ડની આપવાની છે તે કેમિસ્ટ નક્કી કરે છે. આ મુદ્દા પર જસ્ટિસ મહેતાએ જણાવ્યુ કે જો દર્દી જાગૃત હોય તો ડૉક્ટરે જે દવાનું ફોર્મ્યુલેશન આપ્યુ છે તે કઈ બ્રાન્ડની છે તે તપાસ કરી યોગ્ય બ્રાન્ડની દવાની માંગ કરી શકે છે.
ફાર્મા કંપનીઓ તરફથી શું જવાબ મળ્યો ?
ફાર્મા કંપની તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે ઉત્પાદક દવાઓને આટલી ઉંચી કિંમતે નથી વેચતા હોતા, મોટી કમાણી તો રિટેલર કરે છે. સુપ્રીમ કોર્ટ સમગ્ર મુદ્દે વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે કરશે.
