ભાજપનું વર્ચસ્વ યથાવત, પણ મોટા નેતાઓના ગઢમાં પછડાટ! રાજસ્થાન ચૂંટણીના પરિણામો

Rajasthan Local Body Election Results

Rajasthan Local Body Election Results :
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 41% વોર્ડ જીતીને પોતાનું વર્ચસ્વ ફરી એક વખત સ્થાપિત કરી દીધુ છે, તેમ છતાં ઘણા મેજર અપસેટ્સ સર્જાયા છે. જ્યારે કોંગ્રેસ 35% વોર્ડ જીતીને સંતોષ માની રહી છે. ભાજપને ગત ચૂંટણીની સરખામણીએ 5% વોટ શેર વધુ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 5% ઓછા મળ્યા. સ્થાનિક મુદ્દાઓ, ઉમેદવારની પસંદગી, આરક્ષણ જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી હતી.

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની આ વર્ષની ચૂંટણીમાં નવા વોર્ડનો પણ સમાવેશ

આ વર્ષે સીમાંકન બાદ 2770 જેટલા નવા વોર્ડનો ઉમેરો થયો હતો. વર્ષ 2019 અને 2021ની સરખામણીએ આ વર્ષો વોર્ડની સંખ્યામાં દેખીતો વધારો થયો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ 3042 વોર્ડમાં જીત સાથે વિજેતા થયુ હતુ, આ વર્ષે ભાજપ પાસે વોર્ડની સંખ્યા ગત ચૂંટણી કરતા બમણી થઈ ગઈ છે. ગત ચૂંટણીમાં ભાજપને ફાળે 2666 વોર્ડ આવ્યા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા 4179 પર પહોંચી છે. જ્યારે આ વર્ષે કોંગ્રેસના ફાળે આવેલા વોર્ડની સંખ્યામાં પણ વધારો થયો છે. કોંગ્રેસના ભાગમાં 3613 વોર્ડ આવ્યા છે.

સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાય છે રાજસ્થાન

રાજસ્થાન એવુ રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે સરકાર બદલાય છે. ગત ટર્મમાં અશોક ગેહલોતની સરકાર હતી, જ્યારે આ વર્ષે ભાજપના ભજનલાલ શર્માની સરકાર છે. ડિસેમ્બર 2023માં ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઓ પોતાના પક્ષે જીતીને ભજનલાલ શર્માને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. જેને લઈ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પરિણામો ભજનલાલ શર્મા માટે મહત્વના બની રહે છે. શહેરી વિસ્તારો રાજસ્થાન ભાજપ માટે ગઢ મનાય છે. કોક્રોચ જનતા પાર્ટીની સક્રિયતાના કારણે આ ચૂંટણીઓમાં ભાજપ માટે અગ્નિ પરીક્ષા જેવી સ્થિતિ હતી. તેમ છતાં, ભાજપે રાજસ્થાન પર પોતાની પકડ મજબૂત રાખી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ ઘણાં મોટા નેતાઓને પછડાટ આપી

કોક્રોચ જનતા પાર્ટીના દેશવ્યાપી વિરોધ બાદ રાજસ્થાનની સ્થાનિક ચૂંટણીઓ ભાજપ માટે મહત્વની હતી. ભાજપે બહુમત હાંસલ કરી જીતી તો લીધી છે ચૂંટણી, તેમ છતાં ઘણા મેજર અપસેટ્સ થયા છે આ ચૂંટણીમાં. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ભરતપુર જિલ્લામાં ભાજપને માત્ર 20 બેઠકો મળી છે, જ્યારે 36 બેઠકો અન્ય પક્ષોને ફાળે ગઈ છે. પાલીમાં અધ્યક્ષ મદન રાઠોડના વિસ્તારમાં પણ ભાજપને બહુમત મળી શકી નથી. વસુંધરા રાજેનું પ્રભુત્વ ધરાવતુ ક્ષેત્ર એટલે કે ઝાલાવાડમાં કોંગ્રેસે 29 બેઠક પર કબજો મેળવ્યો છે. બીકાનેર અને જોધપુરમાં પણ ભાજપ ખાસ કંઈ ઉકાળી શકી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા વાયદાઓ છતાં પોતાના જ ક્ષેત્રમાં જીત ન મેળવી શકતા કેટલાક ખેમાઓમાં તો સન્નાટો વ્યાપી ગયો છે.

વસુંધરા રાજે રહ્યા નિષ્ફળ

મજબૂત રાજનીતિક મહિલા નેતા ગણાતા વસુંધરા રાજે પોતાના જ ક્ષેત્રમાં સફળતા મેળવી ન શક્યા. ઝાલાવાડમાં કોંગ્રેસની જબરદસ્ત જીત થઈ છે. કોંગ્રેસે 45 માંથી 29 વોર્ડ પર પોતાનો પંજો સ્થાપિત કરી દીધો છે. રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં ભાજપને પછડાટ મળી છે અને કોંગ્રેસને જબરદસ્ત જીત મળી છે. કોંગ્રેસે લાંબા સમય બાદ ઝાલાવાડ નગર પરિષદ પર કબજો જમાવ્યો છે. ઝાલાવાડ નગર પરિષદ પર પણ કોંગ્રેસે કબજો કર્યો છે. ઝાલાવાડ નગર પરિષદ પહેલા ભાજપનો ગઢ ગણાતુ હતુ. ઝાલાવાડ નગર પરિષદ ઝાલાવાડ-બારા લોકસભા સીટનો ભાગ છે. જેના સાંસદ વસુંધરા રાજેના દિકરા દુષ્યંત સિંહ છે. કોંગ્રેસ માટે આ ક્ષેત્રમાં જીત વિધાનસભા ચૂંટણીઓ પહેલા મોટી જીત મનાય છે.

ભરતપુરમાં ભજનલાલનો જાદુ ન ચાલ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીત તો થઈ છે. પરંતુ સાથે જ કેટલાક મજબૂત ક્ષેત્રમાં આ વખતે હારનો સામનો કરવાનો વખત આવ્યો છે. મુખ્યમંત્રીના રૂપમાં ભજનલાલ શર્માએ આ ચૂંટણીઓમાં ભાજપને બહુ મોટી જીત અપાવી છે, પરંતુ પોતાના જ ક્ષેત્ર ગણાતા ભરતપુરમાં ભાજપ કંઈ ખાસ ઉકાળી શકી નથી. 65 વોર્ડમાંથી ભાજપના ફાળે માત્ર 20 વોર્ડ આવતા ભરતપુર બેઠક ભાજપના હાથમાંથી સરકી ગઈ છે. ભરતપુરની હાર મુખ્યમંત્રી ભજનલાલ શર્મા માટે મોટી હાર મનાય છે. ઉદયપુર, જયપુર, કોટા, ભીલવાડા ક્ષેત્રોમાં મોટી જીતે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની પકડ મજબૂત બનાવી છે. UGC વિરોધ, CJP પ્રોટેસ્ટ, NEET પેપરલીક વગેરે જેવા મોટા મુદ્દાઓ છતાં ભાજપની જીતનો શ્રેય ભજનલાલ શર્માના ફાળે જાય છે.

નાયબ મુખ્યમંત્રી દીયાકુમારી માટે પરિણામો મજબૂત સાબિત થયા

ઉપમુખ્યમંત્રી દિયા કુમારી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો તેમનું રાજકીય કદ મજબૂત બનાવે તેવા રહ્યા છે. વિદ્યાધર વિધાનસભા સીટથી આવે છે નાયબ મુખ્યમંત્રી, તેમના ગઢમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને હરાવી છે. જયપુરની જીતનો શ્રેય મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી દીયા કુમારીને ફાળે પણ જાય છે.

કોંગ્રેસ માટે ક્યાંક મજબૂત સ્થિતિ તો ક્યાંક વળતા પાણી જેવો ઘાટ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના વિસ્તારમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી છે અને ભાજપને ધોબી પછાડ આપી છે. સીકર નગર પરિષદમાં 65માંથી 38 વોર્ડ પર જીત મેળવીને બહુમતી હાંસલ કરી છે, જ્યારે ભાજપને 22 બેઠકો જ મળી શકી.

સચિન પાયલટ માટે પોતાના ક્ષેત્ર ટૌંક અને દૌસામાં કોંગ્રેસે પોતાનો પરચો બતાવી દીધો છે. આ ક્ષેત્રોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. અજમેરના 80 વોર્ડમાંથી 37 વોર્ડ પોતાના નામે કરી સૌથી મોટી જીત મેળવી છે.

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે નહી ફાયદો નહી નુકસાન સમાન સ્થિતિ બનીને સામે આવી છે. જોધપુર નગર નિગમના 100 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 44 બેઠકો મળી છે.

ભાજપ ઉમેદવારને માત્ર 1 વોટ

રાજસ્થાનના પરબતસર નગર પાલિકામાં ભાજપના ઉમેદવારને માત્ર 1 વોટ મળતા પરિણામોએ ચોંકાવી દીધા છે. ડીડવાના-કુચામન જિલ્લામાં પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપ ઉમેદવારને પોતાનો વોટ પણ મળ્યો નથી. તે સૌથી અચંબિત કરતી વાત છે. આ વિસ્તારમાં એક એવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે કે ભાજપને કોઈ ઉમેદવાર ન મળતો હોવાથી ખાનાપૂર્તિ કરવા માટે કૈલાશચંદ્રને ઉમેદવાર બનાવી દીધા હતા. એક જ વોટ મળવાને કારણે ઘણા સવાલો પણ ઉભા થયા છે અને આ પરિણામોએ સોશિયલ મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા જગાવી છે.

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવાનો ઉભરીને આવ્યા

ભીલવાડાથી ઘણા સરપ્રાઈઝિંગ પરિણામો આવ્યા છે. અનુભવી ચહેરાઓને નવા યુવા ચહેરાઓએ પછડાટ આપી છે.  

Post a Comment

Previous Post Next Post