IIT Bombay Student Suicide : સાહિલ વાકોડે કેસમાં મોટી કાર્યવાહી, પ્રોફેસર દુલ્લા ડીન પદેથી હટાવાયા

IIT Bombay Student Suicide

IIT બોમ્બેમાં બીટેકના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આપઘાત મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીના આપઘાત મુદ્દે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને ડીન પદેથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે તે પ્રોફેસર પદે તો યથાવત જ રહેશે. સંસ્થાએ સાહિલના મૃત્યુ અંગે અગાઉ આપેલા નિવેદન મુદ્દે માફી માંગી હતી. સંસ્થાએ જણાવ્યુ હતુ કે સાહિલના મૃત્યુની તપાસ થાય એ પહેલા કંઈ પણ કહેવુ તે યોગ્ય નહતુ.

શું બન્યુ હતુ એ દિવસે ?

 IIT બોમ્બેમાં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો સાહિલ વાકોડા. 18 સપ્ટેમ્બરે પવઈ કેમ્પસ સ્થિત હોસ્ટેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. IIT બોમ્બેએ બીજા દિવસે સત્તાવાર નિવેદન આપ્યુ હતુ કે ઘટનાના દિવસે સાહિલ મિડ-સેમેસ્ટર પરીક્ષામાં ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો. સંસ્થાએ એવો દાવો કર્યો હતો કે સાહિલ પ્રશ્નપત્ર અપલોડ કરી રહ્યો હતો અને પકડાઈ ગયા બાદ હોસ્ટેલ જઈને આપઘાત કરી લીધો હતો.

ડાયરેક્ટરે હજુ સુધી રાજીનામુ ન આપ્યુ હોવાની વાત પણ સંસ્થા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. રવિવારે મોડી રાતે ડાયરેક્ટર શિરીષ કેદારેએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. ડિરેક્ટરે વિદ્યાર્થીઓની 18 માંગ ધરાવતા દસ્તાવેજ પર સહી પણ કરી હતી.

વાલીઓનો આરોપ જાતિસૂચક અપશબ્દો બોલવામાં આવ્યા

મૃતક વિદ્યાર્થી સાહિલના માતા-પિતાએ પ્રોફેસર દુલ્લા સહિત 19 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સાહિલને જાતિવાચક અપશબ્દો બોલવામાં આવતા હતા. છેલ્લા ત્રણ માસથી સાહિલને આ રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ડિરેક્ટરના ઈશારે સાહિલને પરેશાન કરવામાં આવતો હતો. પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને SC/ST એક્ટ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

IIT માં અભ્યાસનું ભારણ અને દબાણ

IITs જીવનની એવી રેસ માનવામાં આવે છે કે જેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સતત દબાણ અનુભવ કરે. IITs માંથી ડિગ્રી મેળવવા માટે અઘરી પરીક્ષાઓ આપવી પડે છે અને લાખો-કરોડોનું પેકેજ મેળવવા માટે રીતસર રેસ જામતી હોય તેવા દ્રશ્યો હોય છે. IITs માં જાતિવાચક ભેદભાવ એ શરમજનક બાબત છે. અદ્યતન સુવિધાઓ, મોર્ડન કલ્ચર, લાખોના વાર્ષિક પેકેજ મળતા હોય ત્યાંથી આવા ભેદભાવના આરોપ સામે આવે તે માનવામાં ન આવે તેવી વાત બની રહે છે. હજુ પણ એ સાબિત નથી થઈ શક્યુ કે પ્રોફેસર દુલ્લા સાહિલ સાથે જાતિગત ભેદભાવ રાખતા હતા કે કેમ.

IITs માં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા વધી

એક સરવે પ્રમાણે 10 માંથી 6 વિદ્યાર્થી IITsમાં અભ્યાસના દબાણ હેઠળ હોય છે. અને શૈક્ષણિક તણાવ અને પારિવારિક આશાઓના બોજના કારણે આપઘાતના કિસ્સા બનતા હોય છે. છેલ્લા 5 વર્ષમાં IIT ખડગપુરમાં આપઘાતના સૌથી વધારે કિસ્સા બન્યા છે. ત્યારે 2024માં સરકારે કાઉન્સેલરની પણ નિમણુંક કરી હતી.

Post a Comment

Previous Post Next Post