
Election Commission SIR controversy
Election Commission SIR controversy : SIR ને લઈ ચૂંટણીપંચમાં આંતરિક મતભેદ સામે આવ્યો છે. ઉચ્ચ સ્તરે ગંભીર વિખવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નિર્ણયો સામે ચૂંટણીપંચમાંથી જ વિરોધના સૂર ઉઠ્યા છે. બે કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 14 વખત વાંધા ઉઠાવતા વિવાદ સર્જાયો છે. ફોર્મ 6માં અધિકૃત ફેરફારો મુદ્દે અને મતદાર યાદી સુધારણા મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફરિયાદો ઉઠી છે. આ સમગ્ર મામલો કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે.
ભારતના ચૂંટણીપંચમાં ઉચ્ચે સ્તરે ગંભીર વિવાદ સામે આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નિર્ણયો અને કાર્યશૈલી પર તેમના જ બે સાથી કમિશનરોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. બે સાથી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ મુખ્ય ચૂંટણી કમિશનરના કેટલાક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો છે. પ્રતિષ્ઠિત અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 10 માસના ટૂંકા ગાળામાં જ ચૂંટણી કમિશનર સામે 14 વખત વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ વિવાદે એટલુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે કે સમગ્ર મુદ્દો કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે.
શું છે વિવાદનું મૂળ ?
નવા મતદારોની નોંધણી માટે વપરાતુ ફોર્મ 6 અને SIR કાર્યક્રમના કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે. જેની અસર દેશના 14 કરોડ મતદારો પર પડી શકે તેમ છે. ચૂંટણી કમિશનરોએ એવો દાવો કર્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મંજૂરી લીધા વિના કે જાણ કર્યા વિના જ મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કમી કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ લીધા છે. ફોર્મ 6 મુજબ સરકારની ઔપચારિક સૂચના વિના તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકાય નહી. કાયદા મંત્રાલયની મંજૂરી વિના મે મહિનામાં ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 6 નું નવુ વર્ઝન અપલોડ કરી લેવામાં આવ્યુ હતુ. આ ફોર્મમાં એ પ્રકારનો પ્રશ્ન છે કે શુ તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉની મતદાર યાદીમાં નોંધાયા હતા ? કમિશનર સુખબીર સિંહ સંધુએ વાંધો ઉઠાવ્યો હતો કે આવા ફેરફારોને કારણે પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓ મતદાનથી વંચિત રહી શકે તેમ છે. બંધારણીય અધિકારોની અવગણના, સોફ્ટવેરમાં ફેરફાર અને મતદાર યાદી સુધારવા જેવા નિર્ણયો પારદર્શિતા વિના જ અમલમાં મૂકી દેવાયા. ડિજિટલ સિસ્ટમની નિષ્ફળતાના કારણે સુપ્રીમ કોર્ટમાં આદેશ છતાં ગોવામાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા. તણાવ એટલો બધો વધી ગયો હતો કે બંને કમિશનરોએ કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથનને આ મુદ્દે પત્ર લખ્યો છે. ચૂંટણીપંચમાં આવો વિવાદ પ્રથમ વખત સામે આવ્યો છે. આઈટી વિભાગનું સંચાલન કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
મતભેદોના અહેવાલ બાદ ચૂંટણીપંચની પ્રતિક્રિયા
ચૂંટણીપંચમાં આંતરિક મતભેદોની વાત સામે આવતા ચૂંટણી પંચે સત્તાવાર રીતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે આંતરિક નોંધ, ટિપ્પણી અને ટેકનિકલ સૂચનો કોઈ મતભેદ નહી પરંતુ સામાન્ય અને પારદર્શી કાર્યપ્રણાલીનો અવિભાજ્ય ભાગ છે. કોઈ પણ સભ્યો પ્રશ્નો ઉઠાવી શકે છે અને સ્પષ્ટતા માંગી શકી છે તથા પોતાના સૂચનો આપી શકે છે. આ તમામ પ્રક્રિયાનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત અને પારદર્શી બનાવવાનો છે. ECI એ સ્પષ્ટ કર્યુ છે કે આવા મુદ્દા કે આંતરિક ટિપ્પણીઓ અલગ દર્શાવવાથી ચિત્ર સ્પષ્ટ થતુ નથી. ECINET અત્યંત કડક ડેટા સિક્યુરિટી પ્રોટોકોલ હેઠળ કામ કરે છે, જેથી તેમાં કોઈ અનધિકૃત ફેરફાર કે છેડછાડ શક્ય નથી.
