સરકારે CGHS ના નવા નિયમો હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે CGHS સંબંધિત મહત્વનો ફેરફાર કર્યો છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારજનોને CGHS હેલ્થ સુવિધા મેળવવા માટે રહેઠાણ કે પોસ્ટિંગ સ્થળની ભૌગોલિક શરતનો સામનો કરવો પડશે નહીં.
![]() |
| કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 5 KMની શરત નહીં | AI Image |
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારજનોને આરોગ્ય સુવિધા આપવામાં આવે છે, તેમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ તેમના રહેઠાણ કે પોસ્ટિંગ સ્થળની ભૌગોલિક શરત વિના પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી દેશભરના લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે, જેઓ અત્યાર સુધી આ પાબંધીઓને કારણે વંચિત હતા. હવે યોગ્ય કર્મચારીઓ અન્ય શરતો પૂરી કરીને CGHS પસંદ કરી શકશે અને ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે.
ભૌગોલિક પ્રતિબંધો હટાવવામાં આવ્યા
મંત્રાલયના EHS વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, હવે કેન્દ્રીય કર્મચારીઓ દેશમાં ક્યાંય પણ નિયુક્ત હોય અથવા રહેતા હોય, તેઓ CGHS હેલ્થ સુવિધાનો લાભ લઈ શકશે. સરકારનો આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. અગાઉની ભૌગોલિક પાબંધિઓને કારણે CGHS કવરેજના વર્તુળમાંથી બહાર રહેતા કે પોસ્ટ થયેલા કર્મચારીઓને તબીબી સહાય મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે લાયક કર્મચારીઓને અન્ય શરતો પૂરી કરવા અને નક્કી કરેલું યોગદાન ચૂકવવા પર CGHS પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે એકવાર વિકલ્પ પસંદ કર્યા પછી તેને બદલી શકાતો નથી. જે કર્મચારીઓ પહેલેથી જ CGHS ના કવરેજવાળા વિસ્તારમાં રહે છે અથવા તૈનાત છે, તેમના માટે આ કવરેજ અનિવાર્ય રહેશે અને તેઓ તેના બદલે અન્ય નિયમોનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
શું હતો જૂનો નિયમ ?
અગાઉ એવો નિયમ હતો કે CGHS નો લાભ એવા જ કર્મચારીને મળી શકે જે વેલનેસ સેન્ટરના 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા હોય અથવા તો કામ કરતા હોય. જે કર્મચારીઓ આ અંતરની બહાર રહેતા હોય તેમને તબીબી બિલની ભરપાઈની સુવિધા આપવામાં આવતી હતી. દૂરના વિસ્તારમાં રહેતા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અથવા CGHS ન હોય તેવા વિસ્તારમાં રહેતા કર્મચારીઓને ઘણી અગવડ પડતી હતી. જેથી જૂના નિયમોને દૂર કરવામાં આવ્યા છે.
