અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ટ્વિટ કરી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પે અમેરિકામાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોનું ડિપોર્ટેશન ઝડપી બનાવવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ, વિદેશીઓની વધતી સંખ્યા અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડી રહી છે અને સુરક્ષા માહોલ બગાડી રહી છે.
ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટનો ઉપયોગ કરી શકે છે. આ કાયદો રાષ્ટ્રપ્રમુખને એવી સત્તા આપે છે કે દેશના હિતને નુકસાન પહોંચાડે એવા કોઈપણ વિદેશી કે વિદેશીઓના જૂથના પ્રવેશ પર રોક લગાવી શકે.
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, હાલ અમેરિકામાં દર છમાંથી એક વ્યક્તિ વિદેશી છે, જે ઇતિહાસમાં સૌથી ઊંચો આંકડો છે. તેથી કડક ઇમિગ્રેશન પોલિસીઓ જરૂરી હોવાનું તેઓ માને છે.
તાજેતરમાં વોશિંગ્ટન ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ટ્રમ્પનું વલણ વધુ કડક બન્યું છે. તેમણે ત્રીજા વિશ્વના ગરીબ દેશોના પ્રવાસીઓને કાયમી પ્રતિબંધ મૂકવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
હુમલા પછી ટ્રમ્પે અફઘાનિસ્તાન, વેનેઝુએલા, હૈતી, સોમાલિયા સહિત અનેક એશિયન અને આફ્રિકન દેશોના નાગરિકોની એન્ટ્રી પર સંપૂર્ણ રોક લગાવી છે. સાથે જ 19 દેશોના 33 લાખ ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરવાનો તથા શંકાસ્પદ લોકોને તાત્કાલિક ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ થઈ રહી છે.
આ ઉપરાંત બાઈડેનના કાર્યકાળ દરમ્યાન અમેરિકા આવેલા 2.33 લાખ અફઘાન શરણાર્થીઓની સુરક્ષા તપાસ ફરી શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ સુરક્ષા જોખમ ન રહે.