અમદાવાદમાં લોકોની અવરજવર સરળ બનાવવા માટે બનાવાયેલા બ્રિજ હવે લોકો માટે જોખમ બની રહ્યા હોય તેવો ચિંતાજનક દ્રશ્ય સામે આવી રહ્યો છે. સુભાષ બ્રિજને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અવરજવર માટે બંધ કરી દેવાયો છે, ત્યારે હવે શહેરનો વધુ એક મહત્વનો સરદાર બ્રિજ પણ જોખમી બન્યો હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.
તાજેતરમાં સરદાર બ્રિજની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બ્રિજના બંને બાજુ આવેલા જોઈન્ટ્સમાં મોટા ગાબડાં પડેલા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. રોજિંદી રીતે હજારો વાહનો અને રાહદારીઓની સતત અવરજવર વચ્ચે આ તસવીરોએ લોકોમાં ભય અને ચિંતા જગાવી છે.
સરદાર બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોનો આક્ષેપ છે કે તંત્ર બ્રિજની હાલત જોવાની તસ્દી પણ લેતું નથી. ઘણા સમયથી બ્રિજની સ્થિતિ ખરાબ હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. વાહનચાલકો કહે છે કે રોજિંદા જોખમ સાથે મુસાફરી કરવી પડી રહી છે.
તંત્ર દ્વારા સમયાંતરે બ્રિજોના ઈન્સપેક્શન કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જોઈને લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે કાગળ પર ઈન્સપેક્શન થાય છે, પરંતુ મેદાન પર સલામતીના કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી.
વાહનચાલકો અને સ્થાનિક લોકો કહે છે કે તંત્ર ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. જો કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લેશે? આવા સવાલો લોકો ખુલ્લેઆમ પૂછવા લાગી રહ્યા છે.
શહેરમાં એક પછી એક બ્રિજોની હાલત ખરાબ થતી જઈ રહી છે ત્યારે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના ટાળવી મુશ્કેલ બનશે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે સરદાર બ્રિજની તાત્કાલિક તપાસ કરી જરૂરી મરામત અથવા અવરજવર બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ અણહોયી ઘટના ન બને.