UPI MDR Charges : UPI વિવાદમાં સુપ્રીમ કોર્ટે 2 હજારથી વધુના વ્યવહારો પર MDR લગાવવાના કેન્દ્રના નિર્ણયને તાત્કાલિક અટકાવવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય યથાવત રાખતા કેન્દ્ર, RBI અને NPCI ને નોટિસ ફટકારી છે. MDR લગાવવાના કાયદાકીય આધાર અંગે નોટિસ પાઠવી સ્પષ્ટતા માંગી છે. મહત્વનું છે કે નવા MDR 15 ઓક્ટોબરથી લાગુ થશે.
ચીફ જસ્ટિસનું અવલોકન, કાયદાકીય કરતા ટેકનિકલ બાબત છે.
ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનો આધારસ્તંભ બનેલો UPI (Unified Payments Interface) હવે નવા નિયમો હેઠળ આવશે. દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 2 હજારથી વધુના ચાર્જ પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે 2 હજારથી વધુના પર્સન ટુ મર્ચન્ટ વ્યવહારો પર 0.4 ટકા MDR લાદવાના વિરોધમાં નાણા મંત્રાલયને પડકારતી PIL પર સુનાવણી કરી હતી અને તાત્કાલિક સ્ટે મુકવાનો ઈન્કાર કરી દીધો હતો. અદાલતે કાયદાકીય માન્યતા પર સવાલ કરતા નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે આ બાબત કાનૂની કરતાં વધુ ટેકનિકલ છે, તેથી કેન્દ્ર સરકારે વાસ્તવિક તથ્યો સ્પષ્ટ કરવા પડશે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત પક્ષકારો પોતાની એફિડેવિટ રજૂ કરે તે પછી જ સમગ્ર મામલાની કાયદેસરતા અંગે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાલ આ તબક્કે કોર્ટે આ ચાર્જની કાયદેસરતા અંગે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.
કેન્દ્ર, RBI અને NPCI પાસે માંગી સ્પષ્ટતા
સર્વોચ્ચ અદાલતે ચાર્જિસને લઈને કેટલીક સ્પષ્ટતા માંગી છે. કેન્દ્ર સરકાર, RBI અને NPCIને કેટલાક સવાલો પણ પૂછ્યા છે. આ પ્રકારની ફી લાદવા અંગેના કાયદાકીય આધાર અંગે ખુલાસો કરવા જણાવ્યુ છે. આ નવા ચાર્જથી કોને કમાણી થશે અને કોને નુકસાન થશે અને તે નાણાનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટીકરણ માંગ્યુ છે.
શું છે UPI પર લાગતા MDR નું નોટિફિકેશન ?
એડવોકેટ અંજના દત્તા અને આશુતોષ દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નાણા મંત્રાલય દ્વારા 14 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને પડકાર આપવામાં આવ્યો છે. કોઈ ગ્રાહક દુકાનકાર કે વેપારીને 2 હજારથી વધુનુ પેમેન્ટ UPI દ્વારા કરે છે, તો વેપારી પાસેથી તેનો 0.4 ટકા લેખે MDR વસૂલ કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. આ ચાર્જની મહત્તમ મર્યાદા પણ લાગુ કરવામાં આવી છે. 75 હજારથી કોઈ પણ મોટા વ્યવહાર પર વધુમાં વધુ 300 રૂપિયાનો ચાર્જ લાગુ પડશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પર્સન-ટુ-પર્સન થતાં ટ્રાન્સફર પર આ પ્રકારનો કોઈ ચાર્જ નહી લાગે.
કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા ?
કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એન.વેંકટરમણે જવાબ રજૂ કર્યો હતો કે 96 ટકા સામાન્ય વપરાશકર્તા આ ચાર્જથી દૂર રહેશે. આ ચાર્જ સરકારી ખાતામાં નહી પરંતુ બેન્ક અને સર્વિસ પ્રોવાઈડર કંપની વચ્ચેના વ્યવહારોની ફી છે, જેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે.
