Guru Pradosh Vrat 2026 : ભગવાન શિવની આરાધના માટે પ્રદોષ વ્રત ખાસ હોય છે. આ વ્રત દર મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આવે છે. પરંતુ પ્રદોષ વ્રત ગુરુવારે આવે ત્યારે તેનું ધાર્મિક મહત્વ વધુ વિશેષ માનવામાં આવે છે. ગુરુવારે આવતો પ્રદોષ ગુરુ પ્રદોષ વ્રત (Guru Pradosh Vrat) કહેવાય છે.
આ દિવસે ભક્તો સાંજના સમયે પ્રદોષકાળમાં ભગવાનની આરાધના જળાભિષેક કરે છે, બિલિપત્ર ચઢાવે છે અને સાંજના સમયે પ્રદોષકાળમાં મહાદેવની પૂજા કરે છે.
ગુરુ પ્રદોષ વ્રત શું છે?
હિન્દૂ પંચાંગ મુજબ દરેક મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત આવે છે અને આ દિવસે સૂર્યાસ્તની આસપાસનો સમય એટલે પ્રદોષ કાળ (Pradosh Kaal) ભગવાન શિવની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.
પ્રદોષ અઠવાડિયાના જે દિવસે આવે છે એટલે કે અઠવાડિયાના જે વારે આવે છે તેના આધારે તેને નામ આપવામાં આવે છે. જેમકે સોમવારે આવતો પ્રદોષ સોમ પ્રદોષ, શનિવારે આવતો શનિ પ્રદોષ અને ગુરુવારે આવતો પ્રદોષ ગુરુ પ્રદોષ તરીકે ઓળખાય છે.
ગુરુવાર સાથે ગુરુ અને બૃહસ્પતિની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જ્યારે પ્રદોષ ભગવાન શિવને સમર્પિત છે. આ કારણે ગુરુવારે આવતો પ્રદોષ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે.
ગુરુ પ્રદોષ વ્રત ક્યારે છે?
ગુરુ પ્રદોષ વ્રત 2026 (Guru Pradosh Vrat 2026)ની તારીખ ત્રયોદશી તિથિ અને સ્થાનિક પ્રદોષકાળના આધારે નક્કી થાય છે.
સપ્ટેમ્બર 2026માં બીજું પ્રદોષ વ્રત 24 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ આવે છે. આ વ્રત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ આવી રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.
પ્રદોષ વ્રતની પૂજાનો સમય સાંજનો હોવાથી તમારા શહેરમાં સૂર્યાસ્તનો સમય અને તે મુજબનો પ્રદોષ પૂજા મુહૂર્ત (Pradosh Puja Muhurat) જાણવું જરૂરી છે.
ગુરુ પ્રદોષ વ્રતની તિથિ અને શુભ મુહૂર્ત
- ગુરુ પ્રદોષ વ્રત: 24 સપ્ટેમ્બર 2026, ગુરુવાર
- ત્રયોદશી તિથિ શરૂ: 23 સપ્ટેમ્બર 2026ની રાત્રે 10:50 વાગ્યે
- ત્રયોદશી તિથિ સમાપ્ત: 24 સપ્ટેમ્બર 2026ની રાત્રે 11:18 વાગ્યે
- પ્રદોષ કાળ: 24 સપ્ટેમ્બરે સાંજે 6:16 વાગ્યાથી રાત્રે 8:39 વાગ્યા સુધી
તિથિ અને મુહૂર્તમાં સ્થળ પ્રમાણે સામાન્ય ફેરફાર હોઈ શકે છે. તેથી વ્રત કરતા પહેલાં સ્થાનિક પંચાંગ મુજબ ચોક્કસ સમય તપાસવો યોગ્ય છે.
ગુરુ પ્રદોષ વ્રતની પૂજા વિધિ (Guru Pradosh Puja Vidhi)
ગુરુ પ્રદોષના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. સાંજે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુ પ્રદોષ વ્રતની પૂજાની વિધિ(Guru Pradosh Puja Vidhi) આ પ્રમાણે કરી શકાય છે:
- ભગવાન શિવનું ધ્યાન કરીને પૂજાનો સંકલ્પ કરો.
- શિવલિંગ પર સ્વચ્છ જળ અર્પણ કરો.
- પરંપરા પ્રમાણે દૂધ અથવા અન્ય અભિષેક સામગ્રીથી અભિષેક કરો.
- શિવલિંગ પર બિલિપત્ર અને ફૂલ અર્પણ કરો.
- ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો.
- ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરો.
- અંતે પરિવારની સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.
પૂજાની રીત પરિવાર અને પ્રદેશની પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે.
ગુરુ પ્રદોષ વ્રતનું મહત્વ શું છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષકાળને ભગવાન શિવની આરાધના માટે વિશેષ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે મહાદેવની પૂજા કરવાથી ભક્તને આધ્યાત્મિક શાંતિ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે આવતું પ્રદોષ વ્રત ગુરુ પ્રદોષ તરીકે ઓળખાય છે. તેથી આ દિવસે ભગવાન શિવની પૂજા સાથે ગુરુ ગ્રહ સાથે જોડાયેલા ધાર્મિક ઉપાયો અને પ્રાર્થના પણ જોડાયેલી છે.
ગુરુ પ્રદોષ વ્રતમાં કયો મંત્ર જપવો?
ભગવાન શિવની ઉપાસનામાં ‘ઓમ નમઃ શિવાય (Om Namah Shivaya)’ સૌથી જાણીતા મંત્રોમાંનો એક છે. ઉપરાંત મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવામાં આવે છે. ગુરુ પ્રદોષના દિવસે ભક્તો આ મંત્રનો જાપ કરી શકે છે. મંત્રજાપ કરતી વખતે મનને શાંત રાખીને મહાદેવનું સ્મરણ કરવું વધુ મહત્વનું માનવામાં આવે છે. સાથે પૂજા દરમિયાન શિવ ચાલીસા, શિવ સ્તુતિ અથવા અન્ય પરંપરાગત શિવ સ્તોત્રોનો પાઠ પણ કરી શકાય છે.
ગુરુ પ્રદોષ વ્રત કેવી રીતે રાખવું?
ગુરુ પ્રદોષ વ્રત (Guru Pradosh Vrat 2026)ના દિવસે કેટલાક ભકતો નિર્જળ ઉપવાસ રાખે છે, જ્યારે કેટલાક ફળાહાર અથવા અન્ય સાત્વિક આહાર લે છે. ઉપવાસ રાખતી વખતે પોતાની ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં રાખવું જરૂરી છે. વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી પણ સંયમ, શાંતિ અને ભક્તિ સાથે દિવસ પસાર કરવો પણ તેની ભાવનાનો એક ભાગ છે.
ડિસ્ક્લેમર (અસ્વીકરણ): અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ તથા સંપૂર્ણતા માટે ન્યૂઝ ગુજરાત જવાબદાર નથી.
