રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા આજે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં 2500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઓપરેશન ‘મ્યુલ હંટ’ હેઠળ અત્યાર સુધીમાં 1500 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે બેંકો સામાન્ય નાગરિકોના નાણાંની રખેવાળી કરે છે, તે જ બેંક અધિકારીઓ સાયબર ક્રાઇમ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.
બેંક અધિકારીઓની ધરપકડ અને સાયબર ફ્રોડ પદ્ધતિ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ખાનગી બેંકમાં કામ કરતા મૌલિક કામાણી નામના બેંક અધિકારીએ સાયબર ફ્રોડ કૌભાંડમાં બેંક મેનેજર સાથે સાંઠગાંઠ કરીને બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આરોપીએ ગ્રાહકોની ખોટી સહીઓ કરાવીને કરોડો રૂપિયાના બેંકિંગ ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરાવ્યા હતા. બેંકિંગ સિસ્ટમની ઊંડી જાણકારી હોવાને કારણે આરોપીએ ખૂબ જ ચતુરાઈથી સિસ્ટમનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
આ કૌભાંડમાં જામનગર પંથકના કલ્પેશ ડાંગરિયા નામના અન્ય એક બેંક કર્મચારીની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ કેસ હવે રાજ્યના સૌથી મોટા સાયબર ક્રાઇમ કેસોમાંનો એક ગણાઈ રહ્યો છે.
20 આરોપીઓની ધરપકડ અને તપાસનો વ્યાપ
રાજકોટ પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આજે વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ થતા બેંકિંગ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીઓએ APMC ખાતા ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. આ પ્રકારની મ્યુલ એકાઉન્ટ સ્કીમ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવતું હતું, જે હવે પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે.