ગુજરાતમાં આકાશી આફત: ભર ઉનાળે કમોસમી વરસાદ અને કરા, ખેડૂતોમાં ચિંતા વધતી

ગુજરાતમાં ઉનાળાની વચ્ચે અચાનક માવઠું અને કરાંવર્ષા થતા પાટણ, અરવલ્લી અને આણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.
gujarat-unseasonal-rain-hailstorm-patan-aravalli-farmers-impact


કુદરતનો મિજાજ અત્યારે કાચંડાની જેમ બદલાઈ રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે મેઘરાજાએ અણધારી એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા છે. પાટણથી લઈને ભાવનગર અને આણંદથી ગાંધીનગર સુધી આભમાંથી આફત વરસી રહી છે. કમોસમી વરસાદને કારણે ક્યાંક ઠંડક પ્રસરી છે, તો ક્યાંક ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક કુદરતે કરવટ બદલી છે. ભર ઉનાળે પાટણમાં ચોમાસા જેવો નજારો જોવા મળ્યો હતો. પાટણ શહેર સહિત ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું તૂટી પડ્યું હતું. ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટા વચ્ચે પડેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ચાણસ્માના ગ્રામ્ય પંથકમાં આ મેઘરાજાની અણધારી પધરામણીએ જનજીવન પર અસર કરી છે. ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ ખેતરોમાં ઉભેલા પાકને લઈને આ માવઠું 'ઝેર' સામાન સાબિત થઈ શકે છે.

આણંદ અને ચરોતરમાં ખેડૂતો ચિંતિત

ચરોતરની ધરતી એટલે કે આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી હતી અને ત્યારબાદ પેટલાદના ધર્મજ તેમજ બોરસદના વિરસદ સહિતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદની આ આક્રમક બેટિંગને જોઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતી પાકોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતિત બન્યો છે. આ અણધારી આકાશી આફત ખેડૂતોના આર્થિક ગણિત બગાડી રહી છે.


ભાવનગરમાં ઠંડક પ્રસરી, ગાંધીનગરમાં તેજ પવન

ગોહિલવાડની ધરતી ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરના ભરતનગર, દેવરાજનગર, શિવાજી સર્કલ તેમજ ઘોઘા સર્કલ અને રૂપાણી સર્કલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે આકરી ગરમીમાં શેકાતા ભાવનગરવાસીઓને મનભરીને ઠંડકનો અહેસાસ થયો હતો. બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સવારથી જ આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતા પાટનગરના વાતાવરણમાં આહલાદક પલટો આવ્યો છે. જોકે, આ પવન અને વરસાદની જુગલબંધી વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી પણ ઊભી કરી રહી છે.


ઉનાળાના આકરા તડકામાં ઠંડકની આશા તો સૌને હોય, પણ જ્યારે આ ઠંડક આફત બનીને વરસે ત્યારે હર્યાભર્યા ખેતરો સ્મશાન જેવી શાંતિમાં ફેરવાઈ જાય છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઇડરમાં આજે કુદરતે એવો મિજાજ બદલ્યો કે ઉનાળામાં ચોમાસા અને શિયાળાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. પવનના સુસવાટા, ગાજવીજ અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. 


અરવલ્લીમાં આભમાંથી વરસી સફેદ આફત

અરવલ્લીની ધરા પર આજે કુદરતે એવો ખેલ ખેલ્યો કે લોકો અવાક રહી ગયા. જે આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવતા હતા, ત્યાં અચાનક કાળાડિબાંગ વાદળોનો જમાવડો થયો અને જોતજોતામાં વાતાવરણમાં પલટો આવ્યો. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો. પણ આ વખતે માત્ર પાણી જ નહીં, આકાશમાંથી સફેદ આફત રૂપી કરા પણ પડ્યા. 


જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કરા સાથેના વરસાદે શિયાળા અને ચોમાસાનો એકસાથે અહેસાસ કરાવ્યો. રસ્તાઓ અને ખેતરોમાં બરફના કરા પડતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પરંતુ, આ નજારો જેટલો આહલાદક લાગે છે, ખેડૂતો માટે એટલો જ બિહામણો સાબિત થયો છે. ઉનાળુ પાક જે લણણીના આરે હતો, તેના પર આ માવઠાએ 'વીજળી' જેવો ઘા કર્યો છે. કેરીના પાકથી લઈ અન્ય ખેતીના ઉત્પાદનોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ભીષણ ગરમીમાં ઠંડક તો મળી, પણ ધરતીપુત્રોના રસ્તે લોહીના આંસુ રોવાનો વારો આવ્યો છે. પારખો અરવલ્લીની આ અણધારી આકાશી આફત.


ઇડર પંથકમાં ખેડૂતો ચિંતિત, ઊભા પાક પર જોખમ

બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં પણ કુદરતનો મિજાજ પલટાયો છે. સવારથી જ ઇડર પંથકમાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ. પવનના સુસવાટા સાથે જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ અણધાર્યા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની આશંકા છે. ખાસ કરીને શિયાળુ પાકો અને ઉનાળુ વાવેતરને આ વરસાદથી મોટો ફટકો પડી શકે છે. ઇડરના માર્ગો પર વહેતા વરસાદી પાણીએ ભલે ગરમીમાં રાહત આપી હોય, પણ ખેડૂતોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. માવઠાની આ મારે જગતના તાતની આખી મોસમ બગાડી નાખી છે


કુદરતનો આ મિજાજ ક્યાંક રાહત તો ક્યાંક આફત લઈને આવ્યો છે. જોકે, બદલાતી આબોહવા વચ્ચે વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે. ભલે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હોય, પણ ગુજરાતીઓનો મક્કમ મનોબળ આ કપરા સમયને પણ પાર કરી લેશે. આશા રાખીએ કે આ માવઠું જલ્દી શમે અને ખેતરોમાં ફરી સ્મિત લહેરાય.

Post a Comment

Previous Post Next Post