અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. તેમના પત્ની સુનેત્રા પવારે શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, અને સાથે જ તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ ઘટના રાજ્યના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ અને લઘુમતી બાબતો વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, અગાઉ અજિત પવાર પાસે રહેલો નાણાં વિભાગ (Finance Department Maharashtra) તેમને આપવામાં આવ્યો નથી. રાજકીય સૂત્રો અનુસાર, આ વિભાગ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે.
સુનેત્રા પવારની નિમણૂક બાદ પવાર પરિવાર તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. તેમના ભત્રીજા રોહિત પવારે કહ્યું કે સુનેત્રા કાકી રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે તે ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “સત્ય એ છે કે અજિત દાદાનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પરંતુ સુનેત્રા કાકીના રૂપમાં અમને અજિત દાદાની એક ઝલક જરૂર જોવા મળશે.”
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુનેત્રા પવારને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે,
"સુનેત્રા પવારજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ શરૂ કરવા બદલ અભિનંદન. આ જવાબદારી સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિત દાદા પવારના વિઝનને પૂર્ણ કરશે."
સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બનતા મહારાષ્ટ્રની રાજનીતિમાં મહિલાઓની ભૂમિકા વધુ મજબૂત બની હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. આવનારા દિવસોમાં તેમની કામગીરી પર સમગ્ર રાજ્યની નજર રહેશે.