અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં જાહેર રસ્તા પર છરી લઇને મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક શખ્સ ટ્રાફિક વચ્ચે હાથમાં છરી લઈને અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે અને જાણે પોલીસને પડકાર ફેંકતો હોય તેવો માહોલ સર્જાયો હતો. છરી લઇ આતંક મચાવતા અસામાજિક તત્વોના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. વાઇરલ વીડિયોના આધારે પોલીસે સોયબ સમા સિંધી નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બોલાચાલી બાદ આરોપીએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો.
પોલીસે આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગણતરીની કલાકોમાં કરેલી પોલીસની કાર્યવાહીથી લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં ગુંડાગીરી, છરીબાજી અને અસામાજિક પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં બરદાશ્ત કરવામાં નહીં આવે.