મહેમદાવાદમાં ભ્રષ્ટાચારનો 'બ્લાસ્ટ'! 2 કરોડની કેનાલમાં ગાબડા, ધારાસભ્યએ હથોડી મારી કોન્ટ્રાક્ટરના કામના લીરા ઉડાડ્યા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામે વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી માહી સિંચાઈ વિભાગની કેનાલમાં લોલમલોલ ચાલતી હોવાની બૂમો ઉઠી હતી. આ ફરિયાદ મળતા જ સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એક્શન મોડમાં આવ્યા અને જાતે કેનાલ પર પહોંચી ગયા હતા. જ્યારે ધારાસભ્યએ હથોડીના ઘા માર્યા, ત્યારે કેનાલનું બાંધકામ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું.

મહેમદાવાદના વાંઠવાડીમાં કરોડોના ખર્ચે બનેલી કેનાલની ગુણવત્તા સામે લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જ્યારે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. ધારાસભ્યએ જ્યારે પોતાના હાથે હથોડી ઉપાડીને કેનાલના સ્લેબ પર સામાન્ય ઘા માર્યા, ત્યારે મજબૂત ગણાતું સિમેન્ટનું બાંધકામ ભૂક્કો થઈ ગયું હતું. આ દ્રશ્યોએ સાબિત કરી દીધું કે કોન્ટ્રાક્ટરે સરકારી નાણાંનો કેવો વેડફાટ કર્યો છે.

આ કેનાલ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ નબળા બાંધકામને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો પ્રથમ વરસાદે જ કેનાલ તૂટી જાય, તો ખેડૂતોના ખેતરો ધોવાઈ જવાની ભીતિ છે. ખેડૂતોએ માંગ કરી છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે અને સમગ્ર કેનાલનું કામ નવેસરથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં આવે.

માહી સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરી વગર આવું નબળું કામ કેવી રીતે પાસ થઈ ગયું? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ મિલીભગત છે? ધારાસભ્યના આ નિરીક્ષણ બાદ હવે સિંચાઈ વિભાગ દોડતું થયું છે. અર્જુનસિંહ ચૌહાણે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો છે.

Post a Comment

Previous Post Next Post